યાદ રાખો : સરકારના હાથ લાંબા છે. સરકાર પાસે તોપો અને બંદૂકો છે ... ભાષણ પૂરજોશમાં ચાલે છે. ગામડાને ચોરે ઠાકરડાઓની ઠઠ બેઠી છે. કાછડા વાળેલા, માથે ફાળિયાં બાંધેલા, ડાંખરા ઠાકરડા બેઠા બેઠા ચુપચાપ સાંભળી રહેલ છે : યાદ રાખો ! યાદ રાખો ! યાદ રાખો ! એક મોટા પોલીસ સાહેબના પ્રવચનના શબ્દો કોરડા વીંઝાતા હોય તેમ વીંઝાય છે : યાદ રાખો ! એ ડાકુને સાથ દેનાર તમે છો, તમે બધા છો, તમે ગામેગામના ધારાળા–પાટણવાડિયા - અને એમાં ઉમેરો, સાહેબ ! - આપના પોલીસો. એવો રોષભર્યો, દર્દભર્યો પણ ઝીણો અવાજ વચ્ચેથી ઊઠે છે અને ભાષણકર્તા અધિકારી કેમ જાણે ખુદ શહેનશાહનું અપમાન થયું હોય તેમ તાડૂકે છે : કોણ છે એ બોલનાર ?