પહેલો પહોર પૂરો કરીને રાત વધુ બિહામણો પછેડો પહેરતી હતી. આભના તારા, આફતમાં ઘેરાઈ ગયેલી જિંદગી વચ્ચેય સજ્જનો જેવા, વિશ્વાસે ચમકતા હતા. અંધારું વધુ ઘૂંટાયું તેમ તેમ ચાંદરડાં ચમક આપી રહ્યાં. હોઠે આવેલી વાત પણ પાછી ઊતરી જાય, એવો એક અંધારો વગડો હતો. જાળાં-ઝાંખરાંય જાણે સાંભળી જશે, સાંભળીને ક્યાંઇક ચાડી ખાશે, એવી શંકા નીડરને પણ થાય. મહારાજ રવિશંકર તો સાક્ષાત અભય હતા પણ સાથે હતું આફતનું પડીકું—ભીખો દેદરડાવાળો. મૂંગા મૂંગા જ બેઉ જણા જ્યારે બોરસદથી કાવીઠાને સીમાડે પહોંચ્યા ત્યારે રાત પહેલા પહોરને ગળી જઈ બીજા પહોરનો ભક્ષ કરવા બેઠી હતી.