મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે વડોદરાના સાહેબ આગળ જે કહેલું તે સાચું નીવડ્યું છે. આ પાટણવાડીઆ – ઠાકરડાઓની પાસેથી શું કામ લઈ શકાય તેની કશી સમજ, યોજના કે ગોઠવણ વગર એણે કેવળ એક જ કામ કર્યા કર્યું છે : ગામડે ગામડે એણે દન ઊગ્યાથી દન આથમતાં સુધી આંટા માર્યા છે : એમને ફળીએ જઈ જઈ બૈરાંછોકરાંના કુશળ ખબર પૂછ્યા છે : મધ્યાહ્ન જ્યાં થાય તે ગામડે કોઈ પણ એક ઠાકરડાને આંગણે એણે ગાગર ને સીંચણિયું માગી લઈ કૂવે સ્નાન કરેલ છે : ગાગર ભરી લાવીને એ ઘરની નાની કે મોટી, સ્વચ્છ કે ગંધારી ઓસરીએ મંગાળો માંડેલ છે : બે મૂઠી ખીચડી માગી લઈ મંગાળે રાંધેલ છે : હળદર વગર ફક્ત મીઠું નાખીને ખાધેલ છે : લોટો પાણી પીધું છે : વળતા દિવસના મધ્યાહ્ન સુધીની નિરાંત કરી લીધેલ છે : પછી ચાલવા માંડેલ છે : જે કોઈ ગામે રાત પડે તે ગામડાના પાટણવાડીઆના વાસમાં કોઈ પણ એક આંગણે રાત ગાળેલ છે : ગોદડુ–ખાટલો મળે તો ઠીક છે, નીકર પૃથ્વી માતાના ખોળે ઘસઘસાટ ઊંઘી લીધું છે : ખેતરમાં રાત પડે તો ખેતરાંની કૂંવળના ઢગલામાં શિયાળાની રાતો કાઢેલ છે : સૂતાં યજમાનોને જગાડ્યાં નથી : ઉપદેશ કોઈને આપ્યો નથી : આપ્યો છે કેવળ પ્રેમ : માગી છે કેવળ મનની માયા : હાજરીઓ કઢાવવા વીનવણીઓ કરી છે : એદીપ્રમાદીઓનાં પૂંછડાં ઉમેળીને હાજરીઓ કઢાવવાની અરજીઓ કરાવતા આવે છે : અને કોઈ કોઈ ગામે સ્થિર થાણું નાખી બેઠા બેઠા રેટિયો ફેરવે છે. પોતે ગોર છે યજમાનોને એણે કદી સામે જઈને પૂછ્યું નથી કે, 'ચોરીલૂંટો કરો છો ? શીદ કરો છો ?' પણ યજમાનોએ જ આગળ આવીને જ્યારે જ્યારે ગોર મહારાજને ખોળે પેટનાં પાપ નાખ્યાં છે, તે તે વેળાએ એણે એક જ પ્રવૃત્તિ કરી છે : દોષિત યજમાનને દોરીને વડોદરાના પોલીસ–ખાતામાં સુપરત કરેલ છે અને એને હળવી સજા કે નાના દંડોથી પતવી ભયાનક બહારવટાંને માર્ગેથી પાછા વાળેલ છે.