રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચૉરાની સામે ટોળાબંધ ગામલોકો આવી આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્રીઓ બેઠી : બીજી બાજુ મરદો બેઠા. સરકારી ચૉરાના ઓટા ઉપર એક ફાનસને અજવાળે એક પત્રક અને ખડિયો–કલમ લઈને બેઠેલ માણસને સૌ આવનારાં નમ્રતાથી રામરામ કરતાં હતાં.એ રામરામ ઝીલવાની પરવા કર્યા વગર એ માણસ ચૉરાની પરસાળમા એક ખુરશી પર બેઠેલા પોતાના મહેમાનની સામે વારંવાર જોતો હતો. મહેમાન પર પોતાની સતા અને સાહેબીની કેવી છાપ પડી રહી છે તે ઉકેલવામાં એની નજર રોકાઈ ગઈ હતી. મહેમાનની બાજુમાં એક ઢોલિયો પણ પથરાયેલો હતો. ગાદલું પોચું, પહોળું ને ધિંગું હતું. ચાદર દૂધ જેવી સ્વચ્છ હતી. બાલોશિયું મુલાયમ હતું.