માણસાઈના દીવા - 1

(539)
  • 71.8k
  • 92
  • 50.6k

વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ઉજળિયાત વરણનું ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઈ કરે નહિ. બરાબર બાવીશ વર્ષો પૂર્વેની એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો બન્યો હતો. એક બાબર દેવાની, બીજી નામદારિયાની અને ત્રીજી ડાહ્યાભાઈ ફોજદારની—એવી ત્રણ લૂંટારુ ટોળીઓ વાત્રકના અને મહીના કાંઠા ખૂંદી રહી હતી. ડાહ્યો બહારવટિયો પોતાને 'ડાયોભાઈ ફોજદાર' કહેવરાવતો. એવી એક રાતનો ઘાટો અંધાર-પડદો પડી ગયા પછી કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી નીકળીને એક બ્રાહ્મણ સરસવણી ગામે જતો હતો. પગપાળો, પગરખાં વિનાનો એક પોતડીભર અને એક ટોપીભર. ઉંમર હશે ચાલીશેક.