પ્રેમની સપ્રેમ ભેટ તરીકે પ્રેમલગ્નની ભવ્ય મંઝીલ મળે પછી પૂછવું જ શું જાણે સ્વર્ગ મળ્યું!! દિવાનાઓને આનાથી વિશેષ જોઈએ જ છે શું ભલે ભૂખા રહેવું પડે પણ ખપે તો મહોબ્બત જ! આવા જ તો આશિકોના મોંઘામોલા અરમાન હોય છે! કોઈ ગમી જાય ને પછી એની સંગે પ્રેમાળ નજરો મળી જાય ત્યારે પ્રથમ શમણું સજાતું હોય છે કે કાશ! એ જીંદગી બનીને જીવનભર પડખે જ રહે! એ જ ખુદા, એ જ ખાવિંદ મોહતરમા ને એ જ જાણે અસ્તિત્વનો આધાર. ગમતું મળી જાય પછી ભલેને ગજવો (ખીસ્સો) ખાલી હોય, દિવાનાઓ એની પરવા નથી કરતા. ભૂખે મરવું ચાલે પરંતું મહોબ્બત વિના ન ચાલે, એવા હોય છે આશિકો. આવા નખશિશ આશિકોની આલમ જબરી અલગારી હોય છે. આવા મસ્તાન આશિકોને કોઈ પૂછે કે ભાઈ શું કરે છે તો બસ મહોબ્બત કરું છું. જાણે પ્યાર જ સર્વસ્વ ન હોય! હાં, પ્યાર સર્વસ્વ જ છે. એના વિના જીંદગી જાણે વેરાન.