ગોળા દ્વારા જે માર્ગ લેવામાં આવ્યો હતો, જે આપણે પહેલેથી જાણીએ છીએ કે તે મુસાફરોને ચન્દ્રના ઉત્તર ગોળાર્ધ તરફ લઇ જતો હતો. મુસાફરો ચન્દ્રના કેન્દ્રથી ઘણા દૂર રહેવાના હતા જ્યાં તેમને ખરેખર ઉતરાણ કરવાનું હતું, પરંતુ તે ત્યારેજ શક્ય હતું જ્યારે તેમનું વાહન એક તસુભાર પણ પોતાનો રસ્તો બદલીને ન ચાલ્યું હોત. મધ્યરાત્રી પસાર થઇ ચુકી હતી અને બાર્બીકેને તે સમયનું અંતર સાતસો પંદર માઈલ જેટલું અંદાજયું, જે ચન્દ્રની ત્રિજ્યા કરતા વધારે હતું અને જેમ જેમ તેઓ ચન્દ્રના ઉત્તર ધ્રુવ નજીક આવતા જવાના હતા તેમ તેમ તે અંતર ઘટવા લાગવાનું હતું. ગોળો ત્યારે વિષુવવૃતની બરોબર નહીં હોય પરંતુ તે ત્યાંથી દસમાં અક્ષાંશ પર હોવાનો હતો, આ ગણતરી અત્યંત ધ્યાનપૂર્વક નકશામાં આવેલા ધ્રુવને જોઇને નક્કી કરવામાં આવી હતી, અને આ સ્થિતિ એવી હતી જ્યાંથી બાર્બીકેન અને તેમના બંને સાથીદારો ચન્દ્રનું અત્યંત આરામથી નિરીક્ષણ કરી શકવાના હતા. અલબત્ત દૂરબીનોની મદદથી ઉપર જણાવેલું અંતર ઘટીને માત્ર ચૌદ માઈલથી સહેજ જ રહી જવાનું હતું. રોકી માઉન્ટનના ટેલિસ્કોપે ચન્દ્રને ઘણો નજીક લાવી દીધો હતો પરંતુ પૃથ્વીના વાતાવરણમાં તેની શક્તિ ઓછી થઇ જતી હતી. આથી બાર્બીકેને આ ગોળામાં એવા દૂરબીન રખાવ્યા હતા જે પૃથ્વીના નિરીક્ષકો માટે અદ્રશ્ય પદાર્થો હોય તેનું પણ તેઓ બારીકાઈથી નિરીક્ષણ કરી શકવાના હતા.