અર્પિતાએ પર્સમાંથી નાનો અરીસો કાઢ્યો અને ચહેરા પર નજર નાખી. પોતાના જ નખથી ગાલ પર કરેલો ઉઝરડો રાજીબહેનના દિલ પર ઉઝરડા કરી ગયો તેનો અર્પિતાને આનંદ હતો. રાજીબહેનની બધી મહેનતને તેણે એક જ મિનિટમાં ધૂળધાણી કરી નાખી હતી. પોતાના પગમાં મોચ આવી હોવાનું નાટક હજુ બે દિવસ ચાલુ રાખવાનું હતું. આદમકદ અરીસો નીચે પાડતા પહેલાં ગાલ પર નખથી લોહી કાઢી લીધા પછી તેણે પગને સહેજ વાંકો કરવાની પ્રેક્ટિસ કરી લીધી હતી. અરીસો એટલો જોરથી પડ્યો અને ધડાકો એટલો મોટો થયો કે એક ક્ષણ તો અર્પિતા પોતે ડરી ગઇ હતી. સારું થયું કે તેના પર કાચના ટુકડા ઉડ્યા નહીં. અરીસો પાડ્યા પછી તે તરત જ કાચના ટુકડાની બાજુમાં પગ વાંકો કરી બેસી ગઇ હતી. તેને અંદાજ હતો એ મુજબ જ રચના દોડી આવી હતી. રાજીબહેન આટલા જલદી દોડી આવશે એની તેને કલ્પના ન હતી. હવે કોલેજક્વીન સ્પર્ધાનું પરિણામ પણ રાજીબહેનની કલ્પના બહાર જ આવવાનું છે એની તેમને ખબર નથી.