સૂરજ જ્યારે મસ્ત બની ખીલી જતો ત્યારે સેજલને ખોળામાં બેસાડીને એના માખણસમાં માસૂમ ગાલને પંપાળતો. મહેંદીભર્યા ઝુલ્ફોને જ્યારે પસવારતો ત્યારે શ્પર્શસુખને વીસરીને એ અગમ્ય ખયાલોની ઊંડી ઝીલમાં ઊતરી જતી. એ વિચારતી રહેતી કે સૂરજનું શું થશે આખરે એ મને ખોઈ જ બેસવાનો છે તો અત્યારે શા માટે આટલો ખુશમિજાજ બની રહે છે શાને મુજમાં આટલો ઘેલો થાય છે એક દિવસ જ્યારે એના હૈયાના આંગણે મારી વિદાયરૂપી કયામત આવીને ઊભી રહેશે ત્યારે ક્યાંયનો નહી રહે એવું તે શા સારૂં વિચારતો નથી શું એ મારા વિનાની જીંદગી ગુજારી શકશે મને મનાવતો ફરતો એ પોતાની જાતને- જીંદગીને શીદ મનાવી શકશે આવા ખયાલે એ સૂરજની બાહુંપાશમાં જબરા જોમથી લપાઈ જતી. સૂરજના ગાલને પસવારતી બોલી પડતી: સૂરજ ! આ ભવે તો હું તને એકલો નહીં છોડું મારા વિનાની તનહા જીંદગી જીવવા મજબૂર નહીં જ કરું!