બાજીગરની સામે નીચે જમીન પર પાંચસો રૂપિયા વાળી નોટોના બંડલોનો ઢગલો પડ્યો હતો. એની સિંહાસન જેવી ખુરશી પાસે દીપક તત્પર મુદ્રામાં ઉભો હતો. એના ચહેરા પર બાજીગર પ્રત્યે સન્માનના હાવભાવ છવાયેલા હતા. એ બાજીગરના આદેશની રાહ જોતો હતો. ‘દીપક...’ ‘જી...’ ‘આ...’ બાજીગરે બંદલોના ઢગલા તરફ સંકેત કરતા કહ્યું. ‘કુલ એક કરોડ અને ત્રીસ લાખ રૂપિયા છે. અ રકમ મને ધરમદાસ અને કાશીનાથ પાસેથી મળી છે.’ ‘જી, સર...’ ‘આમાંથી ત્રીસ લાખ રૂપિયા બધા સભ્યો સરખે ભાગે વહેંચી લેજો...!’ ‘થેંકયું સર...!’ કહેતાં કહેતાં દીપકના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા.