બરાબર દસ વાગ્યે, માઈકલ આરડન, બાર્બીકેન અને નિકોલે પૃથ્વી પરથી વિદાય લેતા અગાઉ અસંખ્ય મિત્રોની વિદાય લીધી. બે કુતરાઓ, જેઓ ચન્દ્ર પર કેનીન વંશને આગળ વધારવાના હેતુસર સાથે જઈ રહ્યા હતા તેમને પણ ગોળાની અંદર પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્રણેય મુસાફરોએ વિશાળ કદની કાસ્ટ આયર્નની ટ્યુબ તરફ ડગ માંડ્યા અને એક ક્રેન દ્વારા તેમને ગોળાના શંકુઆકારના મુખ પર મૂકી દીધા. મુસાફરોને એલ્યુમિનિયમના વાહન સુધી પહોંચવા માટે આ ખાસ મુખ બનાવવામાં આવ્યું હતું. ક્રેન સાથેનું દોરડું બહારથી ખેંચવામાં આવ્યું હતું અને કોલમ્બિયાડનું મુખ તેના અંતિમ ટેકાઓથી તરતજ મુક્ત થઇ ગયું હતું. નિકોલ જ્યારે પોતાના સાથીદારો સાથે ગોળાની અંદર પહોંચ્યો ત્યારે તેણે તેનું મુખ એક મજબૂત પ્લેટ વડે બંધ કર્યું જે કાર્ય શક્તિશાળી સ્ક્રુ દ્વારા જ શક્ય હતું. અન્ય પ્લેટો જે નજીક નજીક રાખવામાં આવી હતી તેણે મસૂરની દાળના આકારના કાચને જોડતી હતી અને મુસાફરો પોતાના આ લોખંડી પાંજરામાં સંપૂર્ણપણે બંધ થઇ ગયા હતા અને ગહન અંધકારમાં ઘેરાઈ ગયા હતા.