રાતનો એક વાગ્યો હતો. નાગપાલ બાજીગરના કેસની ફાઈલ વાંચવામાં મશગુલ હતો. એની આંખોમાં ઊંઘનું નામોનિશાન નહોતું. દિલીપ તેની સામે જ પલંગ પર ગાઢ ઊંઘમાં સુતો હતો. સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી. નાગપાલ માટે આટલી મોડી રાત્રે ફોનનું આગમન નવું નહોતું. અગાઉ અનેક વખત આવું બની ચુક્યું હતું એટલે તેને જરા પણ નવાઈ ન લાગી. એણે ફાઈલને સ્ટુલ પર મૂકી. પછી ઉભા થઇ, આગળ વધીને રિસીવર ઊંચક્યું. ‘હલ્લો...મેજર નાગપાલ સ્પીકીંગ...!’ ‘નાગપાલ સાહેબ...! સામે છેડેથી એક અપરિચિત અવાજ તેને સંભળાયો. બોલનાર પોતાનો અવાજ બદલીને બોલતો હોય એવું લાગતું હતું. ‘હું પોલીસનો મદદગાર બોલું છું..’