આયર્નના ટેબલના ગ્લાસટૉપ પર ખૂબીસૂરત રીતે સજાવાયેલી હતી હતી ચાંદીની પાનપેટી, અત્તરદાની અને એક ફ્રેમ.... ફ્રેમમાં જડાયેલી તસ્વીર જોઇ લેવાની કુતુહલતા ન રોકી શકી સલોની. ઓહ, સુદેશ સિંહ અને એની પત્ની.... ફોટોગ્રાફ કદાચ વીસેક વર્ષ જૂનો હતો. સલોનીએ અનુમાન લગાવ્યું. ક્યાંય સુધી જોતી રહી ગઇ સારસબેલડી જેવી તસ્વીરને : સુદેશ સાથે.... પત્ની જ હશે.. સુંદર પણ છે ને ટેસ્ટફુલ પણ... યુનિક કૉમ્બિનેશન... પોતે આજે જરા વધુ પડતી ડ્રેસઅપ થઇને તો નથી આવી ગઇ ને સલોનીને પહેલીવાર પોતાની ડ્રેસિંગ સેન્સ માટે સંદેહ થયો.