પહેલી ડિસેમ્બર આવી ગઈ! જીવલેણ દિવસ! જો આજે દસ કલાક અડતાલીસ મિનીટ અને ચાલીસ સેકન્ડે ગોળાને છોડવામાં ન આવે તો બીજા અઢાર વર્ષ ચંદ્રને ફરીથી એ જ શિરોબિંદુ અને તેના પૃથ્વીના સહુથી નજીક આવવાના સમયની રાહ જોવી પડવાની હતી. હવામાન સુંદર હતું. શિયાળો આવી રહ્યો હોવા છતાં સૂર્ય ચમકી રહ્યો હતો અને તેના ઉજ્જવળ પ્રકાશ હેઠળ પૃથ્વી હતી જેના ત્રણ નાગરિકો થોડાજ સમયમાં તેને છોડીને એક નવી દુનિયામાં જવાના હતા.