‘મૅમ... આ જુઓ તો ખરાં...’ અનીતાના અવાજમાં અચરજ સાથે હળવા ભયની માત્રા ભળી હોય એમ સ્વર થોડો ઊંચો હતો. ટેરેસ ગાર્ડનના સ્વિંગ પર ઝૂલતાં ઝૂલતાં શૂન્ય નજરે ક્ષિતિજ સામે તાકી રહેલી સલોનીને એથી કંઇ નવાઇ ન લાગી હોય એમ એણે જવાબ આપવાનુ ટાળ્યું. વૃંદાના આગમન પછી અનીતાનું વર્તન ફરી ગયું હતું. અસૂરક્ષિતતાની લાગણી કે પછી મૅમ પરનો માલિકીભાવ... કે પછી પોતાની એકહથ્થુ સત્તાના કિલ્લાની રાંગમાં પડેલું છીંડુ ! જે પણ કારણ હોય,અનીતા વૃંદાનો વાંક શોધવાની એકેય તક જતી ન કરતી, એટલું જ નહીં એ એની પાછળ એવી પડી ગયેલી કે એક બપોરે વૃંદાએ જાતે જ નોકરી છોડવાની વાત કરી :