વેલેસ્લીની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો. પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો. અંગ્રેજોની દમનનીતિનો કોરડો વીંઝાતો હતો. ડેલહાઉસીએ કરેલા સુધારાએ બળતામાં ઘી હોમ્યુ.રેલવે અને તાર-ટપાલની સુવિધા,ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી. રૂઢિચુસ્ત અને જૂની વિચારધારામાં માનતા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો તેમના વહીવટની સુગમતા માટે કર્યા હતા.ભારતીય પ્રજાને તેનાથી લાભ થયો હતો પણ તેની કિંમત ઘણી ચૂકવવી પડી હતી. લોકોમાં અસંતોષની આગ ભડકાનું સ્વરૂપધારણ કરવા લાગી હતી. આ અસંતોષ એટલે 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ.(રાષ્ટ્રવાદના ઉદયની પ્રથમ ઘટના)