અર્જુને અત્યાર સુધી જે કાંઈ સાંભળ્યું, તે ઉપર હવે એ શાંતપણે વિચાર કરવા લાગ્યો. એમ વિચાર કરતાં તે બોલ્યો : “તમે પહેલાં એમ કહ્યું કે સંન્યાસ એટલે સાંસારિક કર્મોનો ત્યાગ એમ નહિ, પણ કર્મનાં ફળોનો ત્યાગ તે સંન્યાસ. વળી તમે એમ કહ્યું કે અનન્ય ભક્તિની પરાકાષ્ઠા કર્યા વિના કર્મફળત્યાગ રૂપી પરિણામ ઉદ્ભવતું નથી. તો આવા અનન્ય ભક્તનાં સર્વ લક્ષણો જાણી લેવા હું ઉત્સુક થયો છું, અને તેનું નિરૂપણ કરવા તમને વિનંતી કરું છું.”