વેવિશાળ - 37

(421)
  • 39k
  • 102
  • 10.6k

તે પછી શાક-કઢીના સબડકા ભરતે ભરતે આઠ-દસ મહેમાનોની પંગતે પંદર મિનિટ દીકરીઓની કેળવણી અને કેળવાયેલા મુરતિયાની અછત ઉપર વિવેચન ચલાવ્યું, ને બાકીની દસેક મિનિટમાં કઢી-ભાતના સબડકાનાં અલ્પવિરામો મૂકતે મૂકતે, તેજપુર ગામની પાંજરાપોળમાં ચંપક શેઠ પાસેથી કેટલુંક નાણું કઢાવી શકાશે એની ચકાસણી ચાલુ રાખી. “તમે કહેશો તેમ! બે હજારના કાકા.” ચંપક શેઠના એ શબ્દોને ‘હે…ઈ ખ…રાં’ કહીને સૌએ ઓડકાર ખાતે ખાતે વધાવી લીધા. “હવે ખાઈને તું વહેલો ઉપર આવજે,” પીરસવા-કરવામાં રોકાયેલા નાનાભાઈને એટલું કહીને ચંપક શેઠ ઉપર ગયા. થોડી વારે બ્રાહ્મણ આવી પહોંચ્યો, ને ચોખા, કંકુ, નાડાછડી ઈત્યાદિ માગી ગયો. ગોળધાણાની થાળી પણ ઉપર ગઈ.