મોડી રાતે ખુશાલભાઈ અને સુખલાલના પિતા પાછા ફર્યા. માળાના બારણા સુધી દેકારા બોલાવતી આવેલી ખુશાલની જીભ અને એના જાડા જેતપુરી બૂટ પહેલા દાદર પરથી જ ચૂપ બન્યાં. ઘસઘસાટ સૂનારો એ પોતે બીજાઓની નીંદ પ્રત્યે પણ ઘણો જતનવાન હતો. દાદર પછી દાદર વટાવતા ગયા, નસકોરાંની નવનવી બંસીઓ સંભળાતી ગઈ, અને કેટલીએક ઓરડીઓમાં મુંબઈની બાફ જેમનાં બિછાનાંનો શેક કરી રહી હતી, તેઓનો પાસાં ફેરવવાનો અને કાગળનાં પૂઠાં વડે વીંજણો ખાવાનો પણ સંચાર સંભળાતો હતો. કાપડ-માર્કિટની પીઠમાં હારબંધ ઊભેલાં પેશાબખાનાં આ બફાયેલી હવા ઉપર પોતાની બદબોનો બોજ લાદી રહ્યાં હતાં. વાયુની પીઠ જાણે કે એ દુર્ગંધની ગાંસડીઓ હેઠળ ભાંગી પડી હતી.