ભાભુ પણ પોતાની વાતને પકડી શકતાં નથી, એ જોઈ સુશીલા ચિડાતી હતી. ઓરડામાં અંધારું હતું તેથી આ ચિડાવું સહેલું હતું અજવાળામાં કદાચ સુશીલાએ ભાભુ પર ખીજ કરવાની હિંમત ન બતાવી હોત. વિસ્મયની વાત છે—અથવા જરાય વિસ્મય પામવા જેવું છે જ શું? —કે સુશીલા એક ઘા અને બે કટકા જેવું સહેલામાં સહેલું વાકય ન કહી શકી કે ‘ભાભુ, મને આ વર ને આ ઘર સોએ સો ટકા ગમે છે. તમે મને બીજે પરણાવશો તો હું દુખી થઈ જઈશ. મને આનો બિલકુલ અસંતોષ નથી. બોલો, હવે તમે બધાં શીદને મારા મનની વાત સમજ્યા વગર મને સુધરેલાની સાથે પરણાવવાની આફત આદરી છે?’