કોક કોક દિવસ અહીં જેલરના ટેબલ ઉપર ચોપડીઓનો ઢગલો જાય છે. એમાં બીજા અનેક દેશોની વાતો લખેલી હોય છે. લખ્યું હોય છે કે ફલાણા દેશમાં તો બાળક એટલે પાપ નહિ, પછી છો એ ગણિકાનું હોય. બાળક દીઠું એટલે તરત જ રાજના રખેવાળો ઉપાડી લે, રક્ષા આપે, આયાઓને સુપરત કરે, ઉછેરી ઉછેરીને જુવાન બનાવે, ભણાવેગણાવે કસબકારીગરી શિખાવે, ઇજ્જતદાર શહેરી બનાવે.