સલામ, દાક્તરસાહેબ! હું જેલ-ઑફિસની બારી તમને સલામ કરું છું. તમારાં તો વારણાં લેવાને મને કોડ થાય છે. કોઈ મારા હાથ છૂટા કરે તો હું ખાતરીથી કહું છું કે તમારાં વારણાં લીધ્યે મારા આ સાંધાસૂંધા વગરની લોખંડી આંગળીઓમાં પણ ટચાકા ફૂટે. તમે કંઈ ઓછાં કષ્ટો ઉઠાવો છો, દાદા! બીજાઓ સમજતા હશે કે તમારું ગળું ગલોફામાં પાનપટ્ટી હોવાથી ફુલાય છે. પણ સાચું કારણ તો એક હું જ જાણું છું. તમને તો ત્રાડો પાડી પાડીને કંઠે સોજો આવ્યો છે, અને એ ત્રાડ પણ કંઈ જેવી તેવી?