`સા'બ! ઓ સા'બ! સા'બ, મારો ભૈ ક્યાં? એક દિવસ સાંજરે મારા કાન ઉપર બહારથી આ ધ્વનિ અથડાયાઃ `મારો ભૈ! મારો ભૈ ક્યાં?' મેં જોયું મારી સન્મુખ એ ઊભી હતી. નીંભાડામાં પોતાનું બચ્ચું દટાઈ ગયું હોય અને માંજારી પુકાર કરતી ટળવળતી હોય એવી રીતે એ મારી સન્મુખ ઊભીને કહેતી હતીઃ `સા'બ, મારો ભૈ! જેલર સા'બ, મારૌ ભૈ ક્યાં?' ગાય જાણે વાછરુ વિના ભાંભરતી હતીઃ `સા'બ મારો ભૈ ક્યાં?' `તેરા ભાઈકા નામ વાલજી રઘુજી હૈ ન?' અમારા મુકાદમ દીનમહમ્મદે ઠંડેગાર અવાજે એને મારી આ બાજુએથી પૂછ્યું.