જેલ-ઑફિસની બારી - 7

  • 3.1k
  • 2
  • 816

તમે શા સારુ પેલા જન્મટીપવાળા કેદી દલબહાદુરને એની મા સાથેની મુલાકાત મારી આડશે ન રખાવતાં ખાસ રવિવારે તમારી ઑફિસમાં કરાવી? એ મા-દીકરાને તમે પડખોપડખ શીદ બેસવા દીધાં! શું દલબહાદુર તમને સુંદર વણાટશાળા ચલાવી આપે છે અને જાજમ-જલેસાની અજબ કારીગરી ઊભી કરી શક્યો છે તેથી? એની ડોશી ત્રણ-ત્રણ માસે છેક પંજાબથી ન આવી શકે અને આખું વરસ થોડી બચત કરીને છેક બાર મહિને બેટાને મળવા જેટલું રેલભાડું જોગવી શકે છે તેથી? દીકરો વીસ વર્ષોથી પુરાઈને ધીરે ધીરે વૃદ્ધ બની રહેલ છે એ કારણે? અને બુઢ્ઢી મા બીજી મુલાકાત સુધી જીવશે કે નહિ એવી ધાસ્તીને લીધે શું તમે આવી દયા બતાવો છો? તમારી કરુણાવૃત્તિ પણ કેટલી નફટ છે. જેલરસા'બ! શું કરું? હું તમારા પર દાંત કચકચાવું છું, પણ તમને એ મારાં દાંતિયાં સંભળાતાં નથી.