મારી મારા તંત્રી વિક્રમ વકીલ સાથે ફોન ઉપર રોજ વાત થતી હતી.તોફાનોનો દોર ચાલુ જ હતો. તે દિવસે વિક્રમ સાથે ની વાતચીત માં મેં કહ્યું કે, ‘અમદાવાદમાં આટલા દિવસોથી પોલીસ ફરજ ઉપર છે તેના વિષે કોઈએ કંઇ લખ્યું નથી. પોલીસવાળા રાતદિવસ જોયા વગર પોતાના પરિવાર થી દૂર ભૂખ્યા-તરસ્યા દોડ્યા કરે છે. મને લાગે છે આપણે તેના ઉપર કંઇ લખીએ.’ તેણે વિષય સાંભળતા જ મને કહ્યું, ‘સારી રીતે સ્ટોરી કર, આપણે ક્વરસ્ટોરી કરીશું.’ મારા ધ્યાનમાં આ વિષય આવ્યો એના બે-ત્રણ કારણો હતા. પહેલા તબક્કામાં તોફાનો ચાલતા હતાં ત્યારે એક મુસ્લિમ પોલીસ કોન્સ્ટેબલ રજા લઇ શિવાનંદ ઝા ની ચેમ્બરમાં દાખલ થયો.