કાવ્યોમાં નાટક રમણીય છે, નાટકોમાં શાકુંતલ (અભિજ્ઞાન શાકુંતલ) રમણીય છે. એમાં પણ ચોથો અંક અને તેના ચાર શ્લોકો શ્રેષ્ઠ છે. ‘અભિજ્ઞાન શાકુંતલ’ની એકમાત્ર મહત્તા એને લીધે છે કે, નાટકની કોઈ પણ મર્યાદાનો આ નાટકને લાગુ પડી નથી. કાવ્ય ખુબ સારા પ્રમાણમાં છે પરંતુ સંવાદો અને ગદ્યનો અભાવ બિલકુલ નથી. ચરિત્રનું આલેખન કોઈ જગ્યાએ નાટકના પ્રવાહને અટકાવતું નથી. રાજદરબારનો માહોલ હોવા છતાં પ્રકૃતિ અને સામાન્ય માનવીના દરેક ભાવોને પ્રદર્શિત કર્યા છે. નાટકમાં દર્શાવેલો સંઘર્ષ સામાન્ય વ્યક્તિના હૃદયને સ્પર્શે તેવી રીતે દર્શાવાયો છે. દરેક સંવાદો હૃદય સાથે જોડાય છે અને પ્રેક્ષકોના મનમાં ભાવનાઓ અને લાગણીઓના પૂર ઘુઘવાટ કરે છે. શૃંગારરસનું પ્રેમમાં તરબોળ કરતુ વર્ણન છે અને પ્રેમને ન પામી શકવાની પીડા પણ છે. મહાકવિના ભવ્ય જીવન વિષે આ નાટક પરથી અંદાજ લગાવી શકાય છે. પ્રાચીન કાળથી વિદ્વાનોએ જે કાલિદાસની પ્રસંશા કરી છે તે ‘અભિજ્ઞાન શાકુંતલ’ નાટકને લીધે જ છે.