ભદ્રંભદ્ર - પ્રકરણ - 27

(12)
  • 6.2k
  • 2.1k

ભોજનનું સ્થળ શેરીમાં ખુદ ધરતીમાતા ઉપર હતું.માણસે બાંધેલાં મકાન પૃથ્વી જેટલાં પવિત્ર નથી હોતાં તે માટે રસ્તામાં જમવા બેસવાનું આર્યધર્મના શાસ્ત્રમાં લખ્યું છે એમ ભદ્રંભદ્રે ઘણી સભાઓમાં સાબિત કર્યું હતું. જડવાદી સુધારાવાળાની શંકાના ઉત્તરમાં તે એ પ્રમાણ આપતા હતા કે પૃથ્વી પર ગંગાદિ નદીઓ વહે છે અને ઘરમાં તેવી નદીઓ વહેતી નથી માટે પૃથ્વી વધારે પવિત્ર છે. આ આર્ય સિધ્ધાંતનો સાક્ષાત્કાર આ પ્રસંગે થઇ રહ્યો હતો.સામસામાં ઘરના ખાળકૂવામાંથી વહેતી અનેક ગંગાઓ ભોજનસ્થળને પવિત્ર કરી રહી હતી. ભૂદેવોની સગવડ ખાતર કેટલાક પ્રવાહ આડા લઇ જવામાં આવ્યા પણ તેથી તે સ્થળે વ્યાપી રહેલી પવિત્રતા જતી રહી નહિ. એ જળપ્રવાહમાં કેટલોક મેલ હતો ખરો, પણ સનાતન ધર્મના સિધ્ધાંત પ્રમાણે જલ સર્વને પવિત્ર કરે છે તેથી ભોજનસ્થળની શુધ્ધતા અકલંકિત હતી.