ભદ્રંભદ્ર - પ્રકરણ - 25

  • 5k
  • 2.4k

મુદતો પૂરી થઈ અને નાતમાં ચાલેલો ઝઘડો મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આવ્યો. કોર્ટમાં જુદે જ પ્રકારે અને જુદાં જ શાસ્ત્રોથી લઢવાનું છે એ વાત અમારા વકીલે અમારા મનમાં સારી પેઠે ઠસાવી હતી. અને તેથી, બાહુબળ વાપરવાની કંઈ પણ તૈયારી કર્યા વિના ભદ્રંભદ્ર અને હું કામ ચાલવાને દિવસે સવારે વકીલના ગુમાસ્તા જોડે કોર્ટમાં ગયા. કોર્ટના મેદાનમાં બેઠેલા અને ફરતા અનેક માણસો તરફ ભદ્રંભદ્ર સત્કારની આશાએ ગયા, પણ સઘળા, માલ જડ્યાની, પુરાવો થયાની, જમાદાર આવ્યાની, સાહેદી ફરી ગયાની, એવી અનેક વાતોમાં એવા પડ્યા હતા કે ભદ્રંભદ્રને ઓળખી તેમને સન્માન આપવાનું કોઈને સૂઝ્યું નહિ. ગુમાસ્તો કોર્ટમાં કેદીને ઊભા રહેવાનું પાંજરું અમને બતાવવાને આતુર હતો. પણ એ સ્થાનથી પરિચિત થવાની અમારે જરા પણ ઉતાવળ નહોતી, તેથી ગુમાસ્તાને બીજે કામે જવા દઈ અમે વિશ્રામ માટે એક ઝાડ તળે બેઠા. થોડે દૂર એક માણસ કાને કલમ ખોસી અને હાથમાં કોરા કાગળો રાખી દસપંદર કોળીઓ અને કોળણોના ટોળા વચ્ચે બેઠો હતો.