વૈશાખ સુદી બારસને બુધવારે સંયોગીરાજને ઘેર મંગળ વાદ્યનો ધ્વનિ થઈ રહ્યો હતો. નોતરેલા અને નહિ નોતરેલાની ઠઠ જામતી હતી. મંડપ તોરણાદિથી ઢંકાયેલું અને ગાડીઘોડાથી ઘેરાયેલું ઘર ગ્રહણમાંથી મુક્ત થવા બૂમો પાડતું હતું. અને આવવાનું એવું બહાનું જોઈ લોકો ત્યાં વિવિધ ભાવે ધસી આવતા હતા. કોઈ માન મેળવવા ઉત્સુક હતા, કોઈ તમાસો જોવા ઉત્સુક હતા, કોઈ પાનસોપારી ખાવા ઉત્સુક હતા, કોઈ ચોરી કરવા ઉત્સુક હતા એમ આશાકારણ અનેક છતાં સર્વના મુખ ઉપર એક જ પ્રકારના હર્ષની મુદ્રા જણાતી હતી. સંયોગીરાજના અને તેમના અશસ્વી પરોનાના સુભાગ્યની વાતો ચર્ચવામાં કેટલાક ગૂંથાયા હતા. કેટલાક એવા પણ પ્રયત્ન વિના વિદ્યાથી અને ધાંધલથી અનિચ્છાપૂર્વક પ્રસન્ન થઈ જઈ મોં પહોળાં કરી લક્ષ્ય વિના ચારે તરફ જોતા હતા.