ભદ્રંભદ્ર - પ્રકરણ - 22

  • 6.3k
  • 1
  • 1.8k

વંદાવધ પ્રકરણ કોર્ટમાં જવાથી તે કાર્યની અગાડી પ્રવૃત્તિ નાતમાં અટકી પડતી હતી. આથી તે સુપ્રખ્યાત રાત્રે જેમને ઝાઝું વાગ્યું નહોતું અને જેમના પર મારામારીના આરોપની વિપત્તિ નહોતી આવી, તે સર્વ નિરાશ થયા અને બબડવા લાગ્યા કે અખત્યાર ખૂંચવી લેવાનો સરકારને શો હક્ક છે સુધારાવાળા પારકી નાતનાને મારી નાખી શકે નહિ તો ખેર, પણ બાંધી છોડી શકે નહિ અને મરી ન જાય એવો માર પણ મારી શકે નહિ એ તો બહુ મહોટો પક્ષપાત છે અને સુધારાવાળા ખ્રિસ્તી થવાની હા કહે છે તેથી સરકાર તેમના લાભમાં આમ ઊતરે છે એમ આર્યપક્ષમાં છડેચોક કહેવાવા લાગ્યું. વર્તમાનપત્રોમાં ઉપરાછાપરી ચર્ચાપત્રો પ્રકટ થવા લાગ્યાં અને આખરે અધિપતિઓને પોતાની જાતની અક્કલ વાપરી વિષયો લખવાની તસદી લેવી પડી.