ભદ્રંભદ્ર - પ્રકરણ - 19

  • 5.1k
  • 2k

લોકહિતાર્થ પ્રયત્નમાં આજની મહેનતથી ભદ્રંભદ્ર થાકી ગયા હતા અને તેમના મનમાં અંધકાર વિરુદ્ધ કંઈ ભાવ થયો હતો. વળી અકસ્માતને નસીબ મારફત કપાળ જોડે સંબંધ છતાં તેથી તૃપ્ત ન થઈ આજના અકસ્માતે ભદ્રંભદ્રના પગ અને વાંસા સાથે સંબંધ કર્યો હતો. વિધાત્રીના લેખ સરખા ઊંડા લિસોટા ત્યાં પ્રગટ કર્યા હતા અને ભવિષ્ય પડતું મૂકી તાત્કાલિક વેદના ઉત્પન્ન કરી હતી. આ કારણોથી ઘેર જવા તરફ ભદ્રંભદ્રની વૃત્તિ મંદ હતી. પરંતુ વલ્લભરામ સાથે અમારે ઓળખાણ છતાં એટલો પરિચય નહોતો કે ભોજન કરાવે. ’ભોજન તો કરવું નથી માટે રાત્રે અહીં જ રહીએ તો કેમ.’ એવું અને એવી મતલબનું ભદ્રંભદ્રે મને એક-બે વખત પૂછ્યું. પણ વલ્લભરામે ભોજન કરવાની વિનંતી કરી નહિ તેમ રાત્રે રહેવાની સૂચના વિશે પસંદગી પણ બતાવી નહિ. વલ્લભરામ આર્યપક્ષના સમર્થક હોવાથી ભદ્રંભદ્રને તેમને માટે પૂજ્યવૃત્તિ હતી તે નીચી પડી જવાની ધાસ્તીમાં હતી. પણ રાત્રે તારાના ભારથી વળી જઈ પૃથ્વી પર તૂટી પડતા આકાશને દિવસે સૂર્ય આવીને ટેકવી રાખે છે તેમ આ પૂજ્યવૃત્તિનું અધઃપતન થતાં પહેલાં ત્રવાડી આવી પહોંચ્યા અને તેમણે તે વૃત્તિને ઊંચી રાખી. ’કેમ વલ્લભ શોખી ! શી તરકીબ ચાલે છે ’ એમ બોલતાં તેમણે પ્રવેશ કર્યો પણ અમને જોઈ તે બોલતાં અટક્યા. નમસ્કાર કર્યા અને પાસે આવીને બેઠા અને બધી હકીકત ટૂંકમાં સાંભળી લીધી. વલ્લભરામ અને ત્રવાડી બીજા ઓરડામાં જઈ મસલત કરી આવ્યા અને અમને ભોજન કરવાનો તથા રાત્રે રહેવાનો બહુ આગ્રહ કર્યો. હરકત જેવું નહોતું તેથી અમે કબૂલ કર્યું.