આંહીં મનવારો આવી. લડાઈ ચાલી. હું તે દી પંદર વરસની. પરણીને આવ્યે બે વરસ થયેલાં. મેડી ઉપર ઊભીને હું બેટના દરિયાની લડાઈ જોતી હતી. ધરતી ધણેણતી હતી. બિચારા વાઘેરો પાસે તોપો નહોતી... પછી અમને એક ભાંગેલ વહાણમાં બેસાડી કચ્છમાં નાગ્રેચી લઇ ગયા હતા. તે પહેલાં તો ટાંકાની અંદર પડીને મરી જવાનું સૌ બાઈઓએ નક્કી પણ કર્યું હતું. પણ નાગરેચીથી ચાંદોભાઈ, જાલમસંગના સસરા, દીકરીના સમાચાર પરથી આવ્યા. સરકારને ખબર દઈ દીધી કહ્યું કે વાવટો ચડાવી જાઓ... ભાંગલ વહાણ માંડવીનું સમું થાવા આવેલ. એમાં અમને સૌને બેસાર્યાં. વચ્ચે વહાણમાં પાણી ભરાણું. તોફાન જાગ્યું. ખારવાએ બચાવ્યાં. બે છોકરાં મરી ગયાં. આ સાહેદી દેનાર દાદીમાં પણ પરલોકવાસી થયાં છે.