આ પ્રકરણમાં શાંતિનિકેતન અને ગોખલેના અવસાનની વાત કરવામાં આવી છે. રાજકોટથી ગાંધીજી શાંતિનિકેતન ગયા. જ્યાં ગાંધીજીની કાકાસાહેબ કાલેલકર, હરિહર શર્મા , આનંદાનંદ સ્વામી સહિત અનેક સાથે મુલાકાત થઇ. શાંતિનિકેતનમાં મગનલાલ ગાંધી ફિનિક્સના બધા નિયમોનું પાલન કરાવતા હતા.તેમણે શાંતિનિકેતનમાં પોતાની સુવાસ પોતાનાં પ્રેમ, જ્ઞાન અને ઉદ્યોગના લીધે ફેલાવી હતી. ગાંધીજી ઇચ્છતા કે પગારદાર રસોઇયાના બદલે જો શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાની રસોઇ કરી લે તો સારૂં થાય. ગાંધીજીની આ વાત કેટલાકને ગમી અને અખતરો શરૂ થયો. શાક સમારવા, અનાજ સાફ કરવા, વાસણો માંજવા જેવા કામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ કરવા લાગ્યા. ફિનિક્સની જેમ બંગાળી ખોરાકમાં સુધારા કરવાના ઇરાદાથી એ જાતનું રસોડું કાઢ્યું હતું. તેમાં એક-બે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભળ્યા હતા. દરમ્યાન ગાંધીજીને પૂનાથી ગોખલેના અવસાનના સમાચાર મળ્યા અને તેઓ કસ્તૂબા અને મગનલાલ સાથે પૂના ગયા. ગાંધીજીએ સત્યાગ્રહ કરવાના બદલે ગોખલેને આપેલા વચન અનુસાર એક વર્ષ સુધી ભારત ભ્રમણ કરવાનું નક્કી કર્યું.