ભદ્રંભદ્ર - પ્રકરણ - 10

  • 6.9k
  • 2
  • 2.7k

ભદ્રંભદ્ર - પ્રકરણ - 10 (વંદાવધ) આ દેશસેવાના મહાકાર્યમાં ભદ્રંભદ્ર ગૂંથાયા હતા. એવામાં અમદાવાદથી ચોંકાવનારી ખબર આવી. અમે મુંબાઈમાં ધર્મચર્ચા અને શાસ્ત્રવિવાદમાં આનંદથી તલ્લીન થઇ દિવસ કહાડતા હતા. ત્યારે અમારા સ્વપ્નમાંએ નહોતું કે ઘેર આવો ખળભળાટ થઇ રહ્યો હશે. આ સૄષ્ટિની રચના જ એવી છે કે ભારે વિષમ ઊથલપાથલો આપણા અજાણમાં પરિણામ લગી આવી પહોંચે છે,એથી જ વિવર્તવાદમાં જ્ઞાન-અજ્ઞાનનો પારમાર્થિક અભેદ કહ્યો છે. હજી એક વર્ષ મુંબાઇ રહેવાનો ભદ્રંભદ્ર વિચાર કરતા હતા અને પ્રસન્નમનશંકરના દિવસે દિવસે મંદ થતા જતા આગ્રહ છતાં જુદું ઘર શોધવાની તજવીજ કરતા હતા કે જ્યાં તે પાછા પોતાના જ તેજથી પ્રકાશી શકે, અને ભક્તવૃંદના એકમાત્ર પૂજ્ય થઇ રહે. પણ એ તેજ ક્ષીણ થવાનું હશે, એ ભક્તિ શિથિલ થવાની હશે, એ સર્વે યોજના ધૂળમાં મળવાની હશે, તેથી એકાએક વિચાર બદલી નાખવો પડ્યો. ઘેરથી આવી ત્રાસદાયક ખબર આવ્યા પછી પણ વિદેશ રહેવું એનું શાસ્ત્રમાં પ્રમાણ નહોતું. ઘરવાળાં પણ એવાં કે છેક હાથથી બાજી ગઇ ત્યાં લગી કંઇ સમાચાર જ ન મોકલ્યા. પરગામ શું કામ ચિંતા કરાવવી એમ તેમણે ધાર્યું હશે, પણ એમ કરી ચિંતા હજારગણી વધારી. પ્રસન્નમનશંકરના જન્મદિવસે મિષ્ટાન્ન બનાવ્યાં હતાં.