ભદ્રંભદ્ર - પ્રકરણ - 8

  • 8.7k
  • 1
  • 3.9k

ભદ્રંભદ્ર - પ્રકરણ - 8 (હરજીવન અને શિવભક્ત) રસ્તામાં એક રેંકડાવાળો પોતાને બેસવાની જગાએ ઊભો રહી બબ્બે દોડીઆં ભૂલેસર ની જાહેરખબર પ્રસિદ્ધ કરતો હતો. રેંકડામાં એક આદમી બેઠેલો હતો. તપાસ કરતાં જણાયું કે બે પૈસામાં દરેક જણને ભૂલેસર સમીપ લઈ જવાને રેંકડાવાળો રાજી હતો અને ચાર આદમી થાય ત્યાં સુધી વાટ જોતો હતો. સોંઘું ભાડું જોઈ અમે પણ બેસવાનું નક્કી કર્યું. એક તરફ પૈડાં પાસેના વાંસ પર પગ મૂકી ભદ્રંભદ્ર ચઢવા જતા હતા, પણ એમના પવિત્ર શરીરનો સ્પર્શ કરવાની એકાએક ઈચ્છા થઈ આવ્યાથી બળદે પાછલો પગ ઊંચો કરી વેગ સહિત ભદ્રંભદ્રના ઢીંચણ પર પ્રહારો કર્યા અને ભદ્રંભદ્ર બળદના પગ અગાડી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી પડ્યા. રેંકડાવાળો ખીજી કહેવા લાગ્યો કે બળદ મારે છે તે જાણતા નથી ઘડી ઘડી તે કેટલાકને કહીએ રેંકડામાં બેઠેલો આદમી ગાડીવાળાને કહે કે આને બહુ વાગ્યું હોય તો બીજા બેસનારાને બોલાવ. ક્યાં લગી ખોટી કરીશ હું ભદ્રંભદ્રને હાથ પકડી ઉઠાડતો હતો, તે જોઈ મને તેણે કહ્યું કે કાકાપુરી હોય તો બારોબાર જ લઈ જાઓને. વળી ઇસ્પિતાલમાં લઈ જઈને ચૂંથાશે. ઘાંટો કંઈક ઓળખીતો લાગ્યો. એણે મને ઓળખ્યો, મેં એને ઓળખ્યો, અને હું બોલી ઊઠ્યો કે કોણ હરજીવન ભદ્રંભદ્ર પણ એકાએક ચમકી ઊભા થઈ ગયા અને બોલ્યા, કોણ હરજીવન હરજીવને નીચે ઊતરી ભદ્રંભદ્રને રેંકડા પર ચઢવામાં મદદ કરી, રેંકડાવાળાને ધમકાવ્યો કે હવે ક્યાં લગી ખોટી કરીશ. ચાલ તને રસ્તામાં કોઈ મળી જશે.