ગામની વાંકીચૂંકી સાંકડી શેરીઓમાંથી ટ્રીન..ટ્રીન..ટ્રીન..ટ્રીન..કરતી એક સાઇકલ રોજ પસાર થાય. સાઇકલ અને તેની ઉપર ઠાઠથી સવાર થયેલા ઇબુચાચા, બંનેનાં દિદાર સરખાં જ હતાં, ખખડધજ. ગ્રામ્ય જીવનનો ધબકાર જીલતાં અને બુઢાપાનાં દિવસોમાં પણ મોજેફકીરીથી જીવતા ઇબુચાચા આખા ગામનાં ચાચા જ કહેવાતાં. સવારમાં વહેલાં ઊઠીને અલ્લાની બંદગી કર્યા પછી અમીનાબેગમનાં હાથનો ટાઢો રોટલો ખાય અને કુરાનની આયાત પઢતાં જાય. શીરામણ પતાવીને પછી શરૂ થાય સાઇકલ સેવા. સુખ-દુ:ખનો સાથી ગણો કે ઇબુચાચાની મિલ્કત, સાઇકલને તો જીવ કરતાં પણ વધુ વ્હાલી હતી. સગ્ગા દીકરાંની જેમ સાચવી રાખેલી સાઇકલ ઇબુ અને અમીના માટે શાહી સવારીથી કમ નથી. પોતાની પ્રાણપ્યારી સાઇકલનાં આગળનાં ટાયરનો પંખો ચાર વખત રીપેર કરાવ્યાં પછી હવે ફિટ ના થાય તેવી દારૂણ પરિસ્થિતિમાં પહોંચી ગયેલ હોવાથી નાછૂટકે માળિયામાં મૂકવો પડ્યો. જોકે અમીના દરરોજ યાદ કરાવે, છતાં જાણીજોઇને નવો પંખો ખરીદવાનું ભૂલી જતાં ઇબુચાચાની આંખોમાં ચોક્કસ કારણ રહેલું છે. હવેલી જેવડાં મકાનમાં નિકાહ કરીને આવેલી અમીના જિંદગીના કેટલાય તોફાનોનો સામનો કરીને તે જીવનનાં છેલ્લા પડાવે પહોંચેલાં ઇબુચાચા સાથે આજે પણ અડિખમ ઊભી છે. અને કદાચ એટલે જ ઇબુચાચા જીવે છે! ઇબુચાચાનો ધંધો તો નાનો અમથો હતો. પણ તે ધંધો કરવાં કરતાં ધર્મ વધુ કરતાં. એટલે પૈસા વધતાં ન હતાં, પણ પ્રેમ જરૂર વધતો હતો. પોતાના સુલેમાનની જેમ બાળકોને પ્રેમ કરતાં ઇબુચાચા ગામમાં હળીમળી ગયાં હતાં. એટલે જ તો અરજણકાકા જેવાં ધર્મચુસ્ત મિત્રનાં ઘરે કળશો પાણી પીવાનો રોજનો વહેવાર હતો. ઇબુ અને અરજણની જોડીને ધર્મની ધાર આજે પણ તોડી શકી ન હતી. તો બીજીબાજુ પોતાની જ કોમનો એક બંદો તેમનાં સપના પૂરાં કરવામાં અડચણરૂપ બને છે. આંખમાં એક સપનું લઇને જીવતાં ઇબુચાચા અમીનાને ખુશ રાખવાં શું કરે છે તેમનું સપનું કેવી રીતે પૂરૂ થાય છે અમીના પણ ઇબુચાચા માટે શું કરે છે તે જાણવા વાર્તા તો વાચવી જ રહી.....