પૃથિવીવલ્લભ - 19 (કાળરાત્રી) મૃણાલે તરફડ્યા કર્યું પણ તરફડે કોઈનો તાપ ગયો છે કે તેનો જાય તેણે ભોંય પરથી ઊઠી ફરવા માંડ્યું. બારી આગળ ઊભી રહી, બારણા તરફ જઈ પાછી આવી. તેની જીભ સુકાઈ ગઈ હતી, કરડી-કરડી તેના હોઠ પર લોહી તરી આવ્યું હતું, તેની આંખો અણપાડેલાં અશ્રુઓથી લાલ થઈ રહી હતી. તે ફરીથી ધ્યાન કરવા બેઠી, કઠણમાં કઠણ આસનવાળી નિદ્ર્વંદ્વની સિદ્ધિ સાધવા બેઠી. દાસી ભોજનનું પૂછવા આવી પણ મૃણાલબાને આસન વાળી બેઠેલાં જાઈ મૂંગે મોઢે ચાલી ગઈ.