પૃથિવીવલ્લભ - 18 (નિરાધારતા) મૃણાલવતી ગઈ - નાઠી. તે પોતાના ખંડમાં ગઈ. મૃગચર્મની પથારી પર પડી. તેનું મગજ ચકર-ચકર ફરતું - તેનું હૃદય ન સમજાય એવું તાંડવનૃત્ય ખેલતું હતું. તેના રોમેરોમે અÂગ્નની જ્વાળા ઊઠતી. તેને શ્વાસેશ્વાસે તે જ્વાળાઓ વધતી. આટલાં વર્ષના જીવનમાં આ ક્ષોભ, આ ગભરાટ, આ જ્વાળાઓ તેણે જાઈ નહોતી, તેનો પ્રતાપ અનુભવ્યો નહોતો. વાસનાપૂર્ણ વાક્યો, પુરુષનો સ્પર્શ, પુરુષ કે સ્ત્રીનું ચુંબન - આ બધાથી તે અપરિચિત હતી. તેના આવા અચાનક પરિચયથી તે ત્રાસી ઊઠી, તેનાં અંગેઅંગ કાંપવા લાગ્યાં. આવા અઘોર કલંકમાંથી કેમ બચવું તે તેને સૂઝ્યું નહિ.