આ પ્રકરણમાં આત્મિક કેળવણીની વાત કરવામાં આવી છે. ગાંધીજી માનતા કે વિદ્યાર્થીઓને પોતપોતાના ધર્મપુસ્તકોનું સામાન્ય જ્ઞાન હોવું જોઇએ. આત્મિક કેળવણી માટે ગાંધીજી બાળકોને ભજન ગવડાવતા, નીતિના પુસ્તકો વાંચી સંભળાવતા. પણ ગાંધીજીને આટલાથી સંતોષ ન થયો. ગાંધીજી માનતા કે શરીરની કેળવણી શરીરની કસરતથી અપાય તેજ રીતે આત્માની કેળવણી આત્માથી થાય. તેની કેળવણી શિક્ષકના વર્તનથી પામી શકાય. એટલે જ ગાંધીજી તેમની પાસે રહેલા યુવકો અને યુવતીઓની સમક્ષ પદાર્થપાઠ થઇને રહેતા. એકવાર એક યુવક આશ્રમમાં બહુ તોફાન કરે, જુઠ્ઠુ બોલે, કોઇને ગણકારે નહીં, તેણે બહુ તોફાન કર્યું. ગાંધીજીએ તેને ગુસ્સામાં આંકણી મારી. વિદ્યાર્થી રડી પડ્યો અને માફી માંગી. આ બનાવથી વિદ્યાર્થી સુધરી ગયો પણ ગાંધીજીને લાંબા સમય સુધી આ બાબતનો પશ્તાવો રહ્યો. ગાંધીજીને લાગ્યું કે તેમણે આવું કરીને પશુતાના દર્શન કરાવ્યા છે. આ પ્રસંગે ગાંધીજીને વિદ્યાર્થી પ્રત્યેના શિક્ષકના ધર્મને વધારે વિચારતા કરી મૂક્યા. પછી ગાંધીજી વિદ્યાર્થીઓને સુધારવાની વધારે સારી રીત શીખ્યા.