આ પ્રકરણમાં ગાંધીજીએ ઉપવાસનું મહત્વ સમજાવ્યું છે. દૂધ અને અનાજ છોડીને ગાંધીજીએ ફળાહારનો પ્રયોગ શરૂ કર્યો. સંયમના હેતુથી ઉપવાસો પણ શરૂ કર્યા. એકાદશીના દિવસે ફળાહાર છોડીને માત્ર પાણી પીને ઉપવાસ શરૂ કર્યા. ટોલ્સટોય આશ્રમમાં નિશાળ ચાલતી. આ જુવાનિયાઓમાં ચાર-પાંચ મુસલમાનો પણ હતા. ગાંધીજી તેમને ઇસ્લામના નિયમો પાળવામાં મદદ કરતા. નમાજ પઢવાની સગવડ કરી આપતા. આશ્રમમાં પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને પણ પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ હતી. આશ્રમમાં મુસલમાનોની સાથે હિન્દુઓ, પારસીઓ, ખ્રિસ્તીઓ પણ ઉપવાસ કરવા લાગ્યા. આ પ્રયોગનું એક પરિણામ એ આવ્યું કે ઉપવાસ અને એકટાણાનું મહત્વ સહુ સમજવા લાગ્યા. એકબીજા પ્રત્યે ઉદારતા અને પ્રેમભાવ વધ્યાં. આશ્રમમાં માત્ર શાકાહારનો જ નિયમ હતો જેને મુસ્લિમ યુવકો પણ પાળતા. ગાંધીજી લખે છે કે આરોગ્ય અને વિષયની દ્રષ્ટિએ તેમના પર ઉપવાસની સારી અસર થઇ. ઇન્દ્રિયદમનના હેતુથી થયેલા ઉપવાસની વિષયોને રોકવારૂપ અસર થાય. મન અને હેતુ વિનાના શારીરિક ઉપવાસનું પરિણામ નિરર્થક રહે છે.