પૃથિવીવલ્લભ - 3 મૃણાલવતી જક્કલાદેવી જાડે મહેલમાં ગઈ અને આવતીકાલની સવારી માટે તૈયારી કરવા હુકમ આપવા લાગી. મૃણાલવતી હાલ છેંતાળીશ વર્ષની હતી અને ત્રીસ વર્ષ પહેલાં તેના પિતનું મૃત્યુ થવાથી તે સંસારથી પરવારી ગઈ હતી. તૈલપ તેનાથી પાંચ-સાત વર્ષ નાનો હતો અને મા મરી ગયેલી હોવાથી મોટી બહેનની પ્રીતિ ભાઈ ઉપર ચોંટી. તૈલપને ઉછેરવો, કેળવવો, શસ્ત્ર અને રાજ્યકળામાં પાવરધો બનાવવો અને તેને પાણી ચઢાવી શૂરવીર બનાવવો એ કાર્યમાં તે મચી રહી. થોડે વર્ષે તૈલપ ગાદીએ આવ્યો, એટલે મૃણાલે રાજ્યકારભારમાં પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવા માંડ્યો.