સેકન્ડના દસમા ભાગમાં એ બની ગયું. પ્રેમ હજી કઈ સમજે એ પહેલા તો એ ગનપોઈન્ટ પર આવી ગયો હતો. પહેલવાન જેવા બે પઠ્ઠાઓ સેકન્ડો પર તેના પર હાવી થઇ ગયા હતા. પ્રેમને સહેજ હલવાની કે પ્રતિકાર કરવાની પણ જગ્યા મળી નહોતી. અંધકારમાં અચાનક જાણેકે કોઈ જીન પ્રગટ થયો હોય એવા આશ્ચર્ય અને આઘાતથી તે તેજાને જોઈ રહ્યો. તેજો ખરેખર સ્ફૂર્તિલો નીકળ્યો હતો. પરંતુ જે ઝડપે પ્રેમને આઘાત લાગ્યો હતો એજ ઝડપથી તે સ્વસ્થ પણ થયો હતો. તેના શરીરે અને મને એ ક્રિયાને બહુ ઝડપથી સમજી હતી. તેને સમજાયું હતું કે કોઇપણ રીતે તેનો અને ટંડેલનો પ્લાન લીક થયો છે અને અત્યારે આ પહેલવાનોની શરણાગતી સ્વીકારવામાં જ ભલાઈ છે.