તે વિચારતો હતો કે અચાનક હોલના પાછળના ગેટથી વિમલરાય દાખલ થયા. તેમની પાછળ તેમનો પીએ મુગટ બિહારી પણ દાખલ થયો... એક સાથે બધા અફસરોએ ઉભા થઈને વિમલરાયનું અભિવાદન કર્યું. અજયને પણ કમને ઉભું થવું પડ્યું... વિમલરાયે બે હાથ જોડીને તમામનું અભિવાદન ઝીલ્યું અને બધાને બેસવાનો ઈશારો કરતા પોતે પણ ત્યાં પોતાના માટે રીઝર્વ રખાયેલી ખુરશીમાં ગોઠવાયા. ટેબલ પર મુકેલા પાણીના ગ્લાસમાંથી તેમણે એક ઘૂંટડો ભર્યો અને ગ્લાસને ફરીવાર તેના સ્થાને મુક્યો... એક નાનકડો ખોંખારો ખાઈને ગળું સાફ કર્યું, ટેબલ પર મુકાયેલા માઈકને પોતાના મોઢાં આગળ સરે કર્યું... અને...અજયની નસો તંગ થઇ... તેનો હાથ કમર પર ખલેચીમાં લટકતી પિસ્તોલ પર ગયો... બટન ખોલીને તેણે પિસ્તોલ હાથમાં લીધી...