ગાંધીજી પર રસ્કીનના પુસ્તકની કેવી જાદુઇ અસર થઇ હતી તેનું વર્ણન આ પ્રકરણમાં કરવામાં આવ્યું છે. પ્લેગના કારણે ગરીબ હિન્દીઓ પર ગાંધીજીની નૈતિક જવાબદારી વધી. આવામાં ગાંધીજીની ઓળખાણ ‘ક્રિટિક’ના ઉપતંત્રી પોલાક સાથે થઇ. પોલાકની નિખાલતા ગાંધીજીને સ્પર્શી ગઇ. જિંદગી વિશેના વિચારોમાં બન્ને વચ્ચે ઘણી સામ્યતા હતી. ઇન્ડિયન ઓપીનિયનનું ખર્ચ વધતું જતું હતું. વેસ્ટનો રિપોર્ટ કહેતો હતો કે ઘણાં ફેરફારો કરવાની જરૂર છે. છતાં તેઓ કામ નહીં છોડે. ગાંધીજીનું માનવું હતું કે સત્યના પૂજારીએ ઘણી સાવધાની રાખવી જોઇએ છતાં ઉતાવળે વિશ્વાસ મૂકવાની ગાંધીજીની પ્રકૃતિ છેક સુધી કાયમ રહી. વેસ્ટને નાતાલ મળવા જતાં ગાંધીજીને પોલાકે રસ્તામાં વાંચવા માટે રસ્કિનનું અનટુ ધિસ લાસ્ટ પુસ્તક આપ્યું. આ પુસ્તક ગાંધીજીનું પ્રિય પુસ્તક હતું જેને પાછળથી સર્વોદય નામે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ગાંધીજીએ તેનો તરજુમો (ટ્રાન્સલેશન) કર્યું હતું. સર્વોદયના સિદ્ધાંતો કહે છે કે બધાના ભલામાં આપણું ભલું છે. વકીલ અને વાળંદ બન્નેના કામની કિંમત એકસરખી છે. ખેડૂતનું જીવન જ ખરૂં જીવન છે.