પ્લેગના રોગની ભયાનકતા વિશે આ પ્રકરણમાં વધુ વર્ણન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપાલિટીને પ્લેગની ભયાનકતાની ખબર પડતાં વિલંબ કર્યા વગર લોકેશનમાં એક ગોડાઉનનો કબજો ગાંધીજીને સોપ્યો. ગાંધીજી અને તેમના સાથીઓએ ગોડાઉન સાફ કરીને દર્દીઓને અહીં ટ્રાન્સફર કર્યા. મ્યુનિસિપાલિટીએ એક નર્સ અને બ્રાન્ડી (દારૂ) સહિત જોઇતી વસ્તુઓ પણ મોકલી. ચેપ ન લાગે તે માટે દર્દીઓને સમયાંતરે બ્રાન્ડી આપવાની સૂચના હતી જેના ગાંધીજી તો વિરોધી જ હતા. ગાંધીજીએ ત્રણ દર્દીઓ પર માટીના પ્રયોગો કર્યા. જેમાંથી બે બચ્યા. બાકીના દર્દીઓ મૃત્યુ પામ્યાં. 20 લોકો તો ગોડાઉનમાં જ મૃત્યુને શરણ થયાં. જોહાનિસબર્ગથી સાત માઇલ દૂર ચેપી રોગની હોસ્પિટલમાં 3 દર્દીઓને તંબુ ઉભા કરીને તેમાં સારવાર આપવામાં આવી. પ્લેગના અન્ય દર્દીઓને પણ અહીં જ લઇ જવાની ગોઠવણ કરવામાં આવી. થોડાક દિવસોમાં ગોડાઉનમાં દર્દીઓની સારવાર કરનારી પેલી નર્સનું પણ પ્લેગના રોગમાં મોત થયું. દરમ્યાન પ્લેગના કામમાં રોકાયેલા ગાંધીજીએ એક નાના છાપખાનાના માલિક અને મિત્ર આલ્બર્ટ વેસ્ટને ઇન્ડિયન ઓપીનિયનના પ્રેસનો વહીવટ સોંપ્યો.