“દિકરીના ઘેર રહેવાય, દોસ્તના ઘેર રહેવાય પણ દોસ્તના ઘેર પરણાવેલી દિકરીના ઘેર ના રહેવાય. આમાં હું કોઇ પરંપરાગત સામાજિક ઢાંચાના લીધે આવું કહું છું એવું પણ નથી. હું વાસ્તવિક છું અને કેટલીક વાસ્તવિકતા અવગણી શકાય એમ નથી હોતી. આજ સુધી તું આ બે ઘર વચ્ચે દોડાદોડ કરીને શારીરિક રીતે ઘસાતી હતી હવે જો હું તારા ઘેર આવીને રહું તો તું માનસિક રીતે કેટલી ઘસાય એની કલ્પના કરીને કહું છું. દિકરીનું લોહી છે ને બાપ તરફ ઢળે એ સ્વભાવિક છે . રખેને કાલ ઉઠીને તું મારી દરકાર કરવામાં તારી ફરજ ક્યાંક ચૂકે તો હું મારી જાતને ક્યારેય માફ ના કરી શકું. દિકરીની લાગણી માટે દોસ્તીને દાવ પર ના મુકી શકુ. મને તારા પર જેટલો વિશ્વાસ છે એના કરતાં ઘણો વધારે વિશ્વાસ રાજેશ માટે છે. એ પણ હંમેશ એવું જ ઇચ્છશે કે તું મારું બરાબર ધ્યાન રાખે અને માટે જ તમારા બધાની લાગણીને ધ્યાનમાં રાખીને જ હું આ નિર્ણય પર આવ્યો છું