ગાંધીજીએ આ પ્રકરણમાં આરોગ્યના પોતાના અનુભવો વિશે વાત કરી છે. ગાંધીજીનું માનવું છે કે મનુષ્ય બાળક તરીકે માતાનું દૂધ પીએ છે તે ઉપરાંત બીજા દૂધની આવશ્યકતા નથી. મનુષ્યનો ખોરાક ફળ, લીલા શાકભાજી, દ્રાક્ષાદી ફળોમાંથી તેને શરીર અને બુદ્ધિનું પોષણ મળી રહે છે. આહાર તેવો ઓડકાર, માણસ જેવું ખાય છે તેવો થાય છે,એ કહેવતમાં ઘણું તથ્ય છે, તેવું ગાંધીજીએ અનુભવ્યું છે. ગાંધીજી લખે છે કે ખેડા જિલ્લામાં સિપાહીની ભરતીનું કામ કરતો હું મરણપથારીએ પડ્યો. દૂધ વગર ઘણાં વલખાં માર્યા. મગનું પાણી, મહુડાનું તેલ, બદામનું દૂધિયું વગેરે અનેક પ્રયોગો કર્યા પણ હું પથારીમાંથી ઊઠી ન શક્યો. ગાંધીજીએ વ્રત લીધું હોવાથી છેવટે બકરીનું દૂધ લેવાનો નિશ્ચય કર્યો. ગાંધીજી આરોગ્યના પુસ્તકને આધારે પ્રયોગ કરનારા લોકોને સાવધાન કરતાં કહે છેકે કેવળ મારા પુસ્તકના આધારે દૂધનો ત્યાગ કરવો નહીં. મારો અનુભવ કહે છે કે જેની હોજરી મંદ થઇ છે અને જે પથારીવશ થયો છે તેના માટે દૂધ જેવો હલકો અને પોષક ખોરાક જ બીજો કોઇ નથી.