Kumar Jinesh Shah

Kumar Jinesh Shah

eBooks Published
13

Total Downloads
1829

Total Book Views
10646

Total Feedbacks
195

હું – કુમાર જિનેશ શાહ. જન્મ – 1969. જન્મ-સ્થળ – નાની તુંબડી, કચ્છ. 6 મહિનાની ઉમરે મમ્મી-પપ્પા ઝારખંડના કોયલાંચલ ક્ષેત્રે લઇ ગયાં. જીવનનો આરંભિક ત્રીસ વરસનો સમય ત્યાં જીવાયો. ઝારખંડના વનાંચલે મારી પ્રકૃતિમાં નિસર્ગ પ્રત્યે અપાર પ્રેમ ભર્યો. 2000 ની સાલે માદરેવતન પરત આવીને કચ્છના આર્થિક પાટનગર એવા ગાંધીધામમાં સ્થાયી થયો.. શિક્ષણ અર્થે વાણિજ્યમાં સ્નાતક થયો. પણ, ઈશ્વરે ભીતરની ભીની માટીમાં ક્યાંક શબ્દ વાવીને મોકલ્યો હશે, તે ધીમે ધીમે કોળી નીકળ્યો. કહેવાય છે કે યુવાનીની ચોક્કસ ઉમરે દરેક વ્યક્તિ કવિ બની જાતો હોય છે. તેમ હુંય કવિતા લખતો થયો. વયનો એ તબક્કો વીતી ગયો પણ ત્યાં સુધી કવિતા અંતરમાં સ્થિર થઇ જવા પામી હતી. કવિતા જ પછી મને ગદ્ય સુધી દોરી ગઈ. કોઈ એક વિધામાં લખતાં લખતાં એકવિધતાને કારણે નીરસતા ના આવી જાય માટે સાહિત્યના પ્રત્યેક પ્રકારમાં કલમ અજમાવતો રહ્યો. અંદરથી જે ઉછળે તેને બહાર આવવા દીધું.. જે ઊગે તેને પાંગરવા દીધું. પરિણામે, કવિતાના સમાંતરે વાર્તા, નાટક, લેખ, સંસ્મરણ, વ્યક્તિ-ચિત્ર, પ્રવાસ-વર્ણન અને લલિત-નિબંધો લખાતા ગયાં. સાહિત્યના પ્રતિષ્ઠિત સામયિકોમાં સ્થાન મળતા આત્મ-વિશ્વાસ વધતો ગયો. ગુજરાતી-હિન્દી-ગુજરાતી ઉભય ભાષામાં અનુવાદનું કામ ગમતીલું લાગતાં એમાં પણ ખેડાણ કરતો રહ્યો. અખંડ આનંદ, કુમાર, કવિ-લોક, નવનીત સમર્પણ, શબ્દસર, સંવેદન, પરિકથા, કાદમ્બરી, નયા જ્ઞાનોદય, કચ્છ-મિત્ર વિગેરે અનેકાનેક મંચ ઉપર મારો શબ્દ સ્થાપિત થયો. કુમાર અને શબ્દસરમાં પ્રગટ થયેલી પર્વતારોહણની પ્રવાસ-શ્રેણીએ અનેરી પ્રસિદ્ધિ અપાવી. પુરસ્કાર  શ્રી દિલ્લી ગુજરાતી સમાજના શતાબ્દી-વર્ષ નિમિત્તે આયોજિત અખિલ ભારત સ્તરીય નિબંધ-લેખણ-સ્પર્ધામાં તત્કાલીન રાષ્ટ્રપતિ મહામહિમ શંકરદયાલ શર્માજીના શુભ-હસ્તે પુરસ્કૃત (1997) માતૃભાષા અભિયાન દ્વારા આયોજિત નાટ્ય-લેખણ-સ્પર્ધામાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાના હાથે પ્રથમ પુરસ્કારથી સમ્માનિત (2013), જૈન સોશ્યલ ગ્રુપ આયોજિત કચ્છ-સૌરાષ્ટ્ર-રાજસ્થાન-રિજનની નિબંધ સ્પર્ધામાં પ્રથમ (2014), કાકા કાલેલકર પ્રવાસ-વર્ણન-સ્પર્ધા-મુંબઈમાં પુરસ્કૃત (2015) શ્રી ભાવનગર ગદ્ય-સભા આયોજિત લલિત-નિબંધ-લેખન-સ્પર્ધામાં પુરસ્કૃત (2015), કચ્છ-ગુર્જરી-મુંબઈ આયોજિત અખિલ ભારત સ્તરીય પ્રતિસ્પર્ધાઓમાં સતત પુરસ્કૃત થતાં મારો અંતરનો શબ્દ વધુ ઘૂંટાયો. અને, શબ્દની ક્ષિતિજ વિસ્તરતી રહી. ‘અવસર’ નામે સાહિત્ય-સેવીઓનું ગ્રુપ રચીને અખિલ ભારત સ્તરીય રાષ્ટ્ર-ભાષા હિન્દી કવિ-સંમેલનોનું સળંગ આઠ વરસ (2001 થી 2009) સુધી સફળ આયોજન કર્યું. જેમાં પાંચથી સાત હજાર પ્રેક્ષકો માટેની બેઠક વ્યવસ્થા રહેતી. સુરત, અમદાવાદ, ભાવનગર, ગાંધીધામ, અંજાર, ભુજ, મુન્દ્રા, માંડવી જેવા વિવિધ શહેરોમાં કાવ્ય અને વાર્તા પઠન કરેલ. ફેસબુક જેવા સોશ્યલ મીડિયાથી સંલગ્ન થતાં જેમ એક બાજુ અનેક ઉત્તમ મિત્રોનો સંગાથ સાંપડ્યો તેમ બીજી બાજુ ગઝલના છંદ વધુ દૃઢ અને પાકા થતાં ગયાં. શિષ્ટ વાંચન મારો પ્રથમ પ્રેમ. પ્રત્યેક શ્વાસની સાથે વાંચેલો શબ્દ અંદર જતો રહ્યો અને પ્રત્યેક ઉચ્છવાસની સાથે કવિતા સ્વરૂપે બહાર પ્રગટ થયો. આમ કહી શકું કે વાંચવું અને લખવું મારાં માટે શ્વાસોચ્છવાસ જેવી અનિવાર્ય પ્રક્રિયા બની ગયું છે.. આજે માતૃ-ભારતી જેવા સશક્ત મંચના માધ્યમથી મારો શબ્દ આપનાં મોબાઈલ સ્ક્રીન ઉપર ઝળકવા જઈ રહ્યો છે ત્યારે તમારા અનુપમ પ્રેમ, નિખાલસ પ્રતિભાવ અને સ્વસ્થ ટીકાની પ્રતીક્ષા રહેશે. ...અસ્તુ.